ઉનાવા-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારીનું મોત થયું છે. આ ઘટના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાવાથી મહેસાણા જતા હાઈવે રોડ પર સાબરમતી સીએનજી ગેસ સ્ટેશનથી આશરે ૧૫૦ મીટર આગળ આ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી આશરે ૩૫ થી ૪૦ વર્ષના રાહદારીને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારીને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક અજાણ્યા પુરુષે કાળા કલરની ટી-શર્ટ અને કમરની નીચે કાળા કલરનો ચડ્ડો પહેરેલો છે. તેની ઓળખ થાય અને વાલી-વારસ મળી આવે તે હેતુથી મૃતદેહને ધારપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં સાત દિવસ માટે રાખવામાં આવ્યો છે.

