ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક હાઈવે પર પંચમહાલ LCBએ સફળ દરોડો પાડીને બંધ બોડીની બોલેરો પીકઅપમાંથી ₹18.33 લાખની કિંમતનો મુદ્દામાલ અને 576 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કારચાલક અને હરિયાણાના રહીશ નિર્મલ રામફલ સ્વામીની સ્થળ પરથી ધરપકડ કરી છે.
પંચમહાલ-ગોધરા રેન્જ DIG વિધિ ચૌધરી અને SP ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ LCB PI એ.બી. વોરાની ટીમે પ્રોહિબિશન કામગીરી હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ કીર્તેશકુમાર અને શૈલેષકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે દાહોદ તરફથી વિદેશી દારૂ ભરેલી પીકઅપ ગાડી ગોધરા તરફ આવી રહી છે, જેના આધારે PSI બી.એમ. રાઠોડે ટીમ સાથે ઓરવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી.

પોલીસે અટકાવેલી બોલેરો પીકઅપની તલાશી લેતાં માટીના વાસણોના 151 બોક્સની આડમાં છુપાવેલો પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. દારૂ, વાહન અને મોબાઈલ મળી કુલ ₹18.33 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹5 લાખની બોલેરો પીકઅપ, ₹10,000ની કિંમતનો મોબાઈલ અને ₹94,375ના માટીના વાસણો કબજે કરીને કુલ ₹18,33,374નો મુદ્દામાલ સીઝ કર્યો છે.

