Gujarat

સરદાર એસ્ટેટની જગ્યાએ 33 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ બનશે

વડોદરા માહનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટની જગ્યા ઉપર અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. કોર્પોરેશનની આ નવી બિલ્ડિંગમાં હાલમાં જૂની કચેરીમાં કાર્યરત તેમજ અન્ય સ્થોળોએ કાર્યરત 9 વિભાગોને ટ્રાન્સફર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે જન્મ મરણ શાખા, સોલિડ વેસ્ટ વિભાગ, ટ્રાફિક વિભાગ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. સ્થાયી સમિતિની તા. 7 ઓગષ્ટના રોજ મળેલી બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી છે.

કેટલાય વર્ષોથી નવી કચેરીની માગ સ્વીકારાઈ વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની હાલની કચેરી પણ સમારકામ માગે તેવી છે. તો કેટલીક શાખાઓ જેવી કે જન્મ મરણ શાખા શહેરથી દૂર ખસેડવામાં આવતા લોકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ત્યારે આ શાખાઓને શહેરની મધ્યમાં લાવવા માટે તેમજ પાલિકાના સુચારુ સંકલન માટે છેલ્લા કેટલાક સમયથી નવી કચેરીની માગ ઉઠી હતી. જે અંગે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને મંજૂરી મળતા પાલિકા દ્વારા આ અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને બાદમાં સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકવામાં આવી હતી. જેમાં મંજૂરી મળી ગઈ છે.

વડોદરા શહેરની મધ્યમાં સરદાર એસ્ટેટની જગ્યા ઉપર અદ્યતન કચેરી બનાવવાનું આયોજન છે. આ કચેરી 6033 ચો.મી. માં બનશે. કુલ છ માળની આ બિલ્ડીંગ બનશે જેમાં દરેક માળ ઉપર અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત થશે.

કચેરીમાં આવનાર કર્મચારીઓ તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. 250થી નાના મોટા વાહનો પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત કોમન પ્લોટની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. કચેરીમાં દરેક નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે.