‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં સરહદ સુરક્ષા દળ (BSF) દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી. ૧૭૬મી બટાલિયન BSFના અધિકારીઓ અને જવાનો દ્વારા યોજાયેલી આ રેલીમાં આશરે ૧૦૦ મોટરસાઇકલ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભવ્ય રેલીનો પ્રારંભ બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પરથી કરવામાં આવ્યો હતો. કમાડન્ટ યોગેશ કુમાર અને દ્વિતીય કમાન અધિકારી મહેશ નાથની ઉપસ્થિતિમાં રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપ કમાડન્ટ મનીષ પારિક તથા ઉપ કમાડન્ટ ભુપેન્દ્રસિંહ ભાટી સહિત BSFના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પરેડ ગ્રાઉન્ડથી નીકળેલી તિરંગા યાત્રા ભુજ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એરો પ્લેન સર્કલ અને જુબિલી સર્કલ સુધી પહોંચી હતી. ત્યારબાદ રેલી ફરી બટાલિયન હેડક્વાર્ટર ખાતે પરત ફરી હતી. એકસાથે મોટી સંખ્યામાં મોટરસાઇકલ પર લહેરાતા તિરંગાથી શહેરનો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. રેલીમાં BSFની મહિલા પ્રહરીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જગાવવાની સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જનભાગીદારી વધારવાનો હતો. BSFના જવાનો દ્વારા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ વર્ષે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેના પગલે દેશભરમાં યોજાઈ રહેલી વિવિધ દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓની ઝલક પણ આ રેલીમાં જાેવા મળી હતી. રાષ્ટ્રીય ગીત અને તિરંગા પ્રત્યેના ગૌરવ સાથે રેલીમાં રાષ્ટ્રભક્તિની ભાવના છલકાઈ હતી.
રેલી પૂર્ણ થયા બાદ કમાડન્ટ યોગેશ કુમારે અધિકારીઓ અને જવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે તિરંગાને દેશની એકતા, અખંડિતતા, ગૌરવ અને શહીદોના બલિદાનનું પ્રતિક ગણાવી રાષ્ટ્રીય ધ્વજના સન્માનનું મહત્વ સમજાવ્યું હતું. BSFની આ રેલીથી ભુજમાં સ્વતંત્રતા દિવસના ઉત્સાહમાં વધુ વધારો થયો હતો.

