Gujarat

વેરાવળમાં 1300થી વધુ વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ રેલી યોજી

ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિંહોના સંરક્ષણ અને જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે વેરાવળ શહેરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ આ રેલીમાં જોડાઈને સિંહ સંરક્ષણ અંગે લોકજાગૃતિ ફેલાવી હતી.

આ રેલીનું પ્રસ્થાન વેરાવળની સરકારી બોયઝ હાઇસ્કુલ ખાતેથી કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચાની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અનેક વિદ્યાર્થીઓ સિંહના મુખોટાં પહેરીને રેલીમાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું.

રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા સિંહોના સંરક્ષણ, જતન અને ગીરના સિંહોના મહત્વ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ સિંહ અંગે જાગૃતિ અને ગૌરવની ભાવના જોવા મળી હતી.

ગીર સોમનાથ જિલ્લો એશિયાટિક સિંહોના મહત્વપૂર્ણ રહેઠાણ વિસ્તાર સાથે સંકળાયેલો હોવાથી સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિનું વિશેષ મહત્વ છે. સિંહ અને માનવ વચ્ચે સહઅસ્તિત્વ જળવાઈ રહે તેમજ સિંહોની સુરક્ષા માટે લોકોમાં જવાબદારીની ભાવના કેળવાય તેવા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ વિભાગ, વન વિભાગ અને વિવિધ એન.જી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલી દ્વારા વેરાવળ શહેરમાં ‘સિંહ બચાવો, સિંહ સંરક્ષણ’નો સંદેશ ગુંજી ઉઠ્યો.