Gujarat

શ્રી પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરી

રાજ્ય સભાના સંસદસભ્ય શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘गीर की अमूल्य धरोधर’ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે છે. આ ડોક્યુમેન્ટ્રી અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા અને તેમના કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનતને દર્શાવે છે.

આ ડોક્યુમેન્ટ્રી પોતાના સામ્રાજ્ય પર રાજ કરતા ભવ્ય સિંહને આદરાંજલિ અર્પણ કરવાની સાથે-સાથે સિંહણો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. સિંહબાળોનો ઉછેર કરવામાં અને આગામી પેઢીનું જતન કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા આ પ્રજાતિની સતત વધી રહેલી વસ્તીના કેન્દ્રસ્થાને છે. આ ફિલ્મ વન્યજીવો અને માલધારી સમુદાય વચ્ચેના પેઢીઓ જૂના સહ-અસ્તિત્વની સાથે વન અધિકારીઓ, અગ્રિમ હરોળના કર્મચારીગણ અને ટ્રેકર્સની કામગીરીને પણ રેખાંકિત કરે છે. અગ્રિમ હરોળની ટીમોના આ કાર્ય અને સંવર્ધન આવાસોને માનવ ખલેલથી બચાવવા જેવી સંરક્ષણ પદ્ધતિઓએ જ એવા સંજોગોનું નિર્માણ કરવામાં મદદ કરી છે જેના થકી સિંહ અને તેમનાં બચ્ચાં જીવિત રહી શકે, પ્રજનનનો દૌર આગળ વધી શકે અને તેઓ પોતાની રેન્જ વિસ્તારી શકે.

આ ડોક્યુમેન્ટ્રીનું વિમોચન ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોના એક મહત્વપૂર્ણ તબક્કા સાથે સુસંગત છે. છેલ્લા એક દાયકામાં, એશિયાટીક સિંહની વસ્તી 70% વધી છે, અને 2025માં તે 891 સુધી પહોંચી ગઈ છે, જ્યારે પુખ્તવયની સિંહણોની સંખ્યા વધીને 330 થઈ છે. હવે આ પ્રજાતિનું સામ્રાજ્ય સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાને આવરી લેતા આશરે 35,000 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. ખાસ કરીને બરડાના જંગલનો વિસ્તાર હવે એશિયાટીક સિંહ માટે બીજા ઘર તરીકે ઉભરી રહ્યો છે, જે ગીર સિવાયના નવા ફલકમાં આ પ્રજાતિની નોંધપાત્ર અનુકૂલનક્ષમતા દર્શાવે છે. તેમની વધતી જતી સંખ્યા વિસ્તાર વિસ્તરણની સાથે સિંહોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારીનું પણ સર્જન કરે છે. તેમના વિસ્તારનું સન્માન કરવું અને બિનજરૂરી ખલેલ ટાળવી એ સહઅસ્તિત્વ માટે અનિવાર્ય છે. આ અદ્દભુત પ્રાણીઓની ઉશ્કેરણી અને પજવણી ન કરીએ તો તેમને આ વિસ્તરતા ફલકમાં તેમની કુદરતી વર્તણૂંક જાળવવા અને સમૃદ્ધ થવા માટે જરૂરી મહત્વપૂર્ણ અવકાશ પ્રાપ્ત થશે.

રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સંરક્ષણક્ષેત્રે આ અસાધારણ સફળતા મૂળભૂત રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને આપણા વન અધિકારીઓ તેમજ અગ્રિમ હરોળની ટીમોના અવિરત સમર્પણથી પ્રેરિત છે. સંશોધકો અને સ્થાનિક સમુદાયો સાથે મળીને, તેમણે ભવ્ય એશિયાટીક સિંહને વધુ સુદૃઢ ભવિષ્ય આપ્યું છે. મેં છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી ગીરની મુલાકાત દરમિયાન આ સંરક્ષણ યાત્રાને ખૂબ નજીકથી જોઈ છે. એશિયાટીક સિંહોનો વિસ્તાર વધી રહ્યો છે, તેમ-તેમ આગળનો તબક્કો સિંહો અને તેમના પ્રાઈડનું રક્ષણ કરવાને સમર્પિત હોવો જોઈએ. તેમના આવાસનું રક્ષણ કરીને, તેમના વિસ્તારનું માન જાળવીને અને આ ફલકમાં સહઅસ્તિત્ત્વ ધરાવતા લોકો વન્યજીવો પ્રત્યેની તેમની જવાબદારી સમજે અને તે બાબતને સુનિશ્ચિત કરે તો જ આપણે સંરક્ષણના આ લાભોને પેઢીઓ સુધી ટકાવી શકીશું. ‘गीर की अमूल्य धरोधर’ દ્વારા, હું આ યાત્રાને ડોક્યુમેન્ટ્રીકૃત કરવા અને તે જવાબદારીને આગળ ધપાવવા માંગુ છું.”

‘गीर की अमूल्य धरोधर’ વિશે

‘गीर की अमूल्य धरोधर’ એ શ્રી પરિમલ નથવાણી દ્વારા ગીર લેન્ડસ્કેપના ઈકોલોજિકલ મહત્વ, એશિયાટીક સિંહની સંરક્ષણ યાત્રા અને વન્યજીવો, સ્થાનિક સમુદાયો અને સંરક્ષણ સત્તાધીશો વચ્ચેના સંબંધો પર નિર્મિત એક ડોક્યુમેન્ટ્રી છે.

શ્રી પરિમલ નથવાણી વિશે

શ્રી પરિમલ નથવાણી વન્યજીવ પ્રેમી તેમજ ગીર તથા એશિયાટીક સિંહોના સંરક્ષણ સાથે નજીકથી જોડાયેલા છે. તેમના અગાઉના કાર્યોમાં ગીરની સિંહણને આદરાંજલિ આપતું ગીત ‘ગીર ગજવતી આવી સિંહણ’, અને ગીરની સૌથી ચર્ચિત સિંહ જોડીઓમાંની એકને સમર્પિત ગીત ‘જય-વીરુની જોડી’ તેમજ ‘જય-વીરુની અમર ગાથા’ ડોક્યુમેન્ટ્રીનો સમાવેશ થાય છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓના સભ્ય પણ છે.