Gujarat

ઓડિશાના 35 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

લાલપુર તાલુકાના કાનાલુસ રોડ પર રઝળતા ખૂંટિયાએ ઢીક મારતા ઓડિશાના એક શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટના અંગે મેઘપર પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની અને કાનાલુસ સીમમાં આવેલી એલ.સી.-8 કોલોનીમાં રહેતા 35 વર્ષીય બીજયા બેહરા સોલાબેહરા ગત 3 ઓગસ્ટની રાત્રે આરબલુસ માર્કેટ સામેના કાનાલુસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક રઝળતા ખૂંટિયાએ તેમને અચાનક ઢીક મારી હતી.

ખૂંટિયાની ઢીક વાગતા બીજયા બેહરા રસ્તા પર પટકાયા હતા. તેમને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.