પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ પાદરાની પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રામાં પાદરા પોલીસ મથકના પી.આઈ. પ્રતિપાલસિંહ ગોહિલ, પાદરા શહેર ભાજપ પ્રમુખ મંથન શાહ સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

વધુમાં, પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ યાત્રામાં પાદરા શહેરના મોટી સંખ્યામાં નગરજનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

હજારો લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર પાદરા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

