Gujarat

વડોદરાના નવયાર્ડ વિસ્તારમાં યુવક પર હુમલો

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પરત ફરી રહેલા યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. યુવકને પકડી રાખી ગડદા-પાટુનો માર માર્યા બાદ મુખ્ય આરોપીએ ધારદાર ચપ્પુ વડે શરીર અને પીઠના ભાગે પાંચથી છ ઘા માર્યા હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય આરજુખાન ઝમીરઅહેમદ પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.12 ઓગસ્ટના રોજ સાંજે 7.30 વાગ્યે નોકરી પરથી ઘરે પહોંચ્યા બાદ તેની માતાની તબિયત ખરાબ હોવાથી ગેસની દવા લેવા માટે નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ એલીગન્સ પાસે આવેલા મેડિકલ સ્ટોર પર ગયો હતો. દવા લઈને પરત ફરતી વખતે મેડિકલ સ્ટોર બહાર ઊભો હતો, ત્યારે સફેદ રંગનું મોપેડ લઈને અબ્દુલ પઠાણ તેના બે મિત્રો સાથે ત્યાં આવ્યો હતો.

આ દરમિયાન અબ્દુલે ફરિયાદી યુવક પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. નંબર આપ્યા બાદ અબ્દુલે પોતાના મોબાઇલ નંબર પરથી મિસકોલ કરીને યુવકનો મોબાઇલ જોવા માંગ્યો હતો. જોકે, યુવકે મોબાઇલ આપવાનો ઇનકાર કરતાં અબ્દુલ તથા તેના બંને મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલ્યા હતા અને ધમકી આપી હતી. યુવક ત્યાંથી જવા લાગતા ત્રણેય આરોપીઓએ તેને પકડી ગડદા-પાટુનો માર માર્યો હતો.

યુવકે મારવાનું કારણ પૂછતાં અબ્દુલ પઠાણે કમરમાંથી ધારદાર ચપ્પુ કાઢી શરીર અને પીઠના ભાગે આડેધડ 5થી 6 ઘા માર્યા હતા. આ દરમિયાન તેના બંને સાથીદારોએ ફરિયાદીને પકડી રાખ્યો હતો. યુવક બૂમો પાડતો હતો, ત્યારે તેનો મિત્ર અબ્દુલ તાબીબ પઠાણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને છોડાવ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થતાં અબ્દુલ પઠાણ તથા તેના બંને મિત્રો મોપેડ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.