Gujarat

જામનગરમાં વાયરલ ફીવરમાં ઉછાળો સપ્તાહમાં 1,050થી વધુ કેસ નોંધાયા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં આવી રહેલા સતત પલટા અને વાતાવરણમાં ભેજના પ્રમાણને કારણે વાયરલ ફીવરના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં જ શહેરમાં વાયરલ ફીવરના અંદાજે 1050થી વધુ નોંધાયેલા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર અને તબીબોમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘરોમાં એક પછી એક સભ્યો તાવ, શરદી અને ઊધરસની ચપેટમાં આવી રહ્યા છે.

વાયરલ ફીવરના કેસ વધતા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી ક્લિનિકો અને નર્સિંગ હોમ્સમાં સવારથી જ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલની ઓપીડી (OPD) બારીઓ પર કેસ કઢાવવા અને દવા લેવા માટે લોકોની ભીડ જામી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ વાયરલ ઇન્ફેક્શનનો ઝડપથી ભોગ બની રહ્યા છે.

શહેરના અગ્રણી તબીબોના જણાવ્યા અનુસાર, હાલમાં બદલાતા વાતાવરણને કારણે મોસમ તાવ, ચિકનગુનિયા જેવા વાયરલ લક્ષણો અને ડેન્ગ્યુના કેસો નોંધાતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા નથી. તો વાયરલ ફીવરમાં સામાન્ય રીતે ઉંચો તાવ, શરીર અને સાંધાનો અસહ્ય દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા અને અશક્તિ જેવા લક્ષણો જોવા મળે છે. તબીબોએ નાગરિકોને જાતે તબીબી સલાહ વિના દવાઓ ન લેવા અને પૂરતો આરામ કરવા જણાવ્યુ છે.