ભાવનગર સ્થિત સમરસ હોસ્ટેલમાં અનાજ અને ભોજનમાં જીવાતો મળી આવવાના મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા બે દિવસથી આ સમસ્યા ચાલી રહી હતી, ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં પણ પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાતો નીકળતાં સ્થિતિ વણસી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ ગંભીર બેદરકારી સામે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેના પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સવારે 11 વાગ્યાથી ભારે વરસાદ વચ્ચે ભૂખ્યા-તરસ્યા રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સ્થળ પર પહોંચી આંદોલનરત વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેમણે સમરસ ગર્લ્સ હોસ્ટેલની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સેજલબેન પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની માંગણીઓ વાજબી હતી અને તેમની વાત સાંભળવા વાળું કોઈ નહોતું.
હોસ્ટેલની મુલાકાત દરમિયાન અનેક ખામીઓ ધ્યાન પર આવી છે. આ હોસ્ટેલમાં લાંબા સમયથી ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદો ચાલી રહી હતી અને છેલ્લા બે દિવસમાં આ સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.”

