Gujarat

વડોદરામાં પ્રતિબંધિત નશાકારક કફ સિરપનો 22.58 લાખનો જથ્થો ઝડપાયો

વડોદરા શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી સામે SOG દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ગોરવા ITI રોડ પર આવેલા પ્રમુખ ફ્લેટ્સની દુકાન નં.5માં SOGની ટીમે રેડ કરી હતી અને દુકાનમાંથી 22.58 લાખથી વધુ કિંમતની પ્રતિબંધિત નશાકારક કોડીન કફ સિરપની 1,920 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વડોદરા SOG પીઆઇ બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અશોકસિંહને બાતમી મળી હતી કે, સમતા રોડ પર આવેલ નર્મદાનગરી વિભાગ-3 સોસાયટી સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરની બંધ શટરવાળી દુકાનમાં ગેરકાયદેસર કોડીન કફ સિરપની પેટીઓ રાખવામાં આવી છે.

આ બાતમીના આધારે પોલીસે ITI રોડ, ગોરવા ખાતે પ્રમુખ ફ્લેટ્સની દુકાન નં. 5માં દરોડો પાડ્યો હતો અને પંચોને સાથે રાખીને દુકાનનું તાળું તોડ્યું હતું અને દુકાનમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પારદર્શક પ્લાસ્ટિકથી વીંટાળેલા ખાખી રંગના પુઠાના બોક્સ મળી આવ્યા હતા.

બોક્સ ખોલતા પ્લાસ્ટિક સ્ટીકરવાળી પ્રવાહી ભરેલી સીલબંધ બોટલો મળી આવી હતી. સ્થળ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તથા FSL અધિકારીને બોલાવી ચકાસણી કરાવતા આ જથ્થો પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો હોવાનું બહાર આવ્યું હતું.