Gujarat

પાદરા પોલીસે ગણેશ મંડળો સાથે બેઠક યોજી આગામી ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી પર ચર્ચા કરાઈ

પાદરા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓ સંદર્ભે ગણેશ મંડળોના આયોજકો અને અગ્રણીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. પાદરા પી.આઈ. પી.વી. ગોહિલની અધ્યક્ષતામાં આ બેઠકમાં શ્રીજીની આગમન યાત્રા અને શોભાયાત્રાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ દિપેશભાઈ પંચાલ, નગરપાલિકાના સદસ્યો, વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા આયોજકોને શ્રીજીની આગમન યાત્રા દરમિયાન શિસ્ત જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા યોજવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ડી.જે. સિસ્ટમમાં માત્ર ભક્તિભાવ અને દેશભક્તિના ગીતોને પ્રાધાન્ય આપવા તેમજ જોખમી સ્ટંટ કે જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિઓ ટાળવા જણાવાયું હતું.

વધુમાં, આગમન યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવા અને યાત્રા શરૂ કરતા પહેલા પોલીસની જરૂરી પરવાનગી મેળવી લેવા પણ આયોજકોને સૂચન કરાયું હતું. બેઠક દરમિયાન ગણેશ મંડળોના આયોજકો અને અગ્રણીઓ દ્વારા પણ વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આગામી ગણેશ મહોત્સવને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા અંગે સર્વસંમતિથી ચર્ચા કરવામાં આવી હતી.