દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજના આ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે અને રાજકોટ આખું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું છે.

રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે, ચૌધરી હાઈસ્કૂલ, અને જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલ ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી જેમાં આજે ધ્વજવંદન પૂર્વે વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં નવા માધાપર અને સરધાર મળી બે પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ ગ્રાઉન્ડ ખાતે આજના 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે આજના આ કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ બાદ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વાર રાજકોટમાં નવા બે નવા પોલીસ સ્ટેશન માટે પરવાનગી આપવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો સરધાર વિસ્તાર પોલીસ સ્ટેશનયહી દૂર હોવાથી સરધાર અલગ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે.

જયારે ગાંધીગ્રામ અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી છુટા કરી એક નવા માધાપર પોલીસ સ્ટેશન બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. અત્યારે રાજકોટમાં 15 પોલીસ સ્ટેશન કાર્યરત છે અને નવા બે બનતા 17 પોલીસ સ્ટેશન થશે અને આવતા દિવસોમાં શરૂ કરી દેવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

