Gujarat

કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદામાં તિરંગો લહેરાવ્યો

ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નવસારી જિલ્લા કક્ષાએ વાંસદા તાલુકાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. વલસાડના સાંસદ ધવલ પટેલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ સમગ્ર જિલ્લાવાસીઓને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સદીઓના સંઘર્ષ અને અનેક ક્રાંતિકારીઓના બલિદાન બાદ 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો હતો. આઝાદીનું જતન કરવું અને દેશને વધુ મજબૂત બનાવવો એ સૌની સામૂહિક જવાબદારી છે.

કલેક્ટરે નવસારી જિલ્લાના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, હિન્દ સ્વરાજની લડતનું પ્રતીક બનેલું ઐતિહાસિક દાંડી ગામ નવસારીની ભૂમિ પર આવેલું છે. 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી કૂચ 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી હતી, જ્યાં મીઠાનો કાયદો તોડીને અહિંસક સત્યાગ્રહનો શંખનાદ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટરે નવસારી જિલ્લાની વિકાસ ગાથા રજૂ કરવાની સાથે જુલાઈ મહિનામાં જિલ્લામાં આવેલા ત્રણ વિનાશક પૂરમાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ કપરી પરિસ્થિતિમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, ભારતીય સેના અને સ્થાનિક તરવૈયાઓએ કરેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. પૂર પીડિતો માટે ભોજન, આશ્રય અને રાહત સામગ્રી પહોંચાડવામાં મદદ કરનાર સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રાજકીય આગેવાનો અને પત્રકારોના સહયોગને પણ કલેક્ટરે બિરદાવ્યો હતો.