Gujarat

સુરત ગ્રામ્યમાં નકલી ઘીનું મોટું નેટવર્ક ઝડપાયું

સુરત ગ્રામ્ય એલસીબીએ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામેથી પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 52 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ધોરણપારડીમાં કૈવલ ફૂડ પ્રોડક્ટ એકમ પર પોલીસના દરોડા પોલીસને ધોરણપારડીના હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. જી-01 માં કૈવલ ફૂડ પ્રોડક્ટ નામનું એકમ ધમધમતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. શ્રાવણ માસમાં ઘીની વધતી માંગનો ગેરલાભ ઉઠાવીને આ શખ્સો લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હતા.

સ્થળ પરથી 52 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી પામ ઓઈલ, વનસ્પતિ તેલ અને સોયાબીન તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મિશ્રણનો ઉપયોગ કરી ‘Shri ANMOL RATNA COW’s GHEE’ બ્રાન્ડના નામે પેકિંગ કરીને ખાસ કરીને GIDC વિસ્તારમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ઘી અને તેલના ડબ્બા, સ્ટીકરો, ગેસની સગડી, પ્રિન્ટિંગ મશીન અને વજન કાંટા સહિત 52 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં સુરતના કિમ ખાતે રહેતા આરોપી અંકિતકુમાર રાજેશકુમાર મોદીની ધરપકડ કરવામાં આવી છે. તે છેલ્લા એક વર્ષથી ડેરી પ્રોડક્ટ બનાવવાના લાયસન્સની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો. સુરત જિલ્લા LCB PI નરેશ પાંચાણીના જણાવ્યા અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદથી ઘીના નમૂનાઓ લઈને તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.