Gujarat

જામનગરમાં ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવવાળા બાળદર્દીનું મોત

જામનગર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક બાળદર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જોકે, મૃતક બાળદર્દીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા જામનગર નજીકના કનસુમરા વિસ્તારના એક બાળદર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

તબીબો દ્વારા જરૂરી નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં, સારવાર દરમિયાન ગુરુવારે બાળદર્દીનું મૃત્યુ થયું હતું.

બીજી તરફ, હાલાર પંથકમાં સમયાંતરે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે પોરબંદર પંથકના વધુ એક બાળદર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ એક બાળદર્દી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સંખ્યા એક ડઝનથી વધુ થઈ ગઈ છે. જોકે, ચાંદીપુરાની પુષ્ટિ ફક્ત શંકાસ્પદ દર્દીઓના સેમ્પલના રિપોર્ટ બાદ જ થઈ શકે છે.