પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ ₹3.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે.
LCB પશ્ચિમ કચ્છ ભુજની ટીમે બાતમીના આધારે કોડાય વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પ્રથમ કેસમાં, પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 664 બોટલો અને બીયરના 24 ટીન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત ₹1,33,040 છે. આ ઉપરાંત, ₹500ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પ્રથમ કેસમાં કુલ ₹1,33,540નો મુદ્દામાલ જપ્ત થયો હતો.

આ કેસમાં માંડવી તાલુકાના બીદડા વાડી વિસ્તારના રહેવાસી અમૃતભાઈ શામજી રામાણીની ધરપકડ કરવામાં આવી છે. બીદડા ગામના અર્જુન ભીખા સંઘાર અને બાબુ મંગા સંઘારને આરોપી તરીકે દર્શાવી તેમની ધરપકડ માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે.
બીજી કાર્યવાહીમાં પણ પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 85 બોટલો અને બીયરના 24 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹20,000 છે. આ ઉપરાંત, ₹2 લાખની કિંમતની એક ફોરવ્હીલર કાર પણ કબજે કરવામાં આવી હતી.

