Gujarat

રાજકોટમાં સૌની યોજનાનાં પાણી અચાનક બંધ

રાજકોટમાં ચાલુ વર્ષે નબળા વરસાદને કારણે આગામી સમયમાં ગંભીર જળ સંકટ સર્જાવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જેને લઈને મનપાએ શહેરના 18 વોર્ડની અંદાજે 20 લાખ જેટલી વસ્તીને દૈનિક 20 મિનિટ પૂરતા દબાણથી પાણી પૂરૂં પાડવાના આયોજન સાથે રાજ્ય સરકાર પાસે સૌની યોજના હેઠળ 4,000 એમસીએફટી નર્મદાનીરની માંગણી કરી હતી.

જે અંતર્ગત સરકારે આજી-1 ડેમમાં બે દિવસ સુધી નર્મદાના નીર ઠાલવ્યા બાદ અચાનક જ પાણી બંધ કરી દીધું છે. જો આગામી દસેક દિવસમાં નર્મદાના નીર પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો શહેરીજનોએ વિકટ જળ સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે.

જોકે પાણી વિતરણ ટેકનીકલ કારણે બંધ કરાયું હોવાનો બચાવ કરી અધિકારીએ આવનારા 4-5 દિવસમાં સૌની યોજનાના પાણી પ્રથમ આજી અને ત્યારબાદ ન્યારી ડેમમાં ઠાલવવામાં આવનાર હોવાનો દાવો મનપાનાં અધિકારીએ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરની પાણીની દૈનિક જરૂરિયાતો પૂરી કરતા મુખ્ય જળસ્ત્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નવી પાણીની આવક ન થતાં સ્થિતિ ચિંતાજનક બની છે. આજી-1 ડેમની કુલ ઊંડાઈ 29 ફૂટ છે, પરંતુ તેમાં 7 ફૂટ સુધી કાંપ હોવાથી તે ડેડવોટર ગણાય છે. હાલ આજી ડેમમાં 20.87 ફૂટ (447 એમસીએફટી) પાણી ઉપલબ્ધ છે, જેમાંથી દૈનિક 140 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.

બીજી બાજુ ન્યારી-1 ડેમની સ્થિતિ વધુ વિકટ છે. 25.01 ફૂટની ક્ષમતા ધરાવતા આ ડેમમાં હાલ માત્ર 14.05 ફૂટ પાણી બચ્યું છે, જ્યારે 1,215 એમસીએફટીની ક્ષમતા સામે 75 એમસીએફટીનો મોટો કાપ જોવા મળી રહ્યો છે. ન્યારી ડેમમાંથી 12 ફૂટની સપાટી સુધી જ પાણી ઉપાડી શકાતું હોવાથી જો નર્મદાના નીર નહીં મળે તો દૈનિક વિતરણ જાળવવું મુશ્કેલ બનશે.