Gujarat

જસદણ આલ્ફા નવોદય હોસ્ટેલમાં બાળકીના મોતનો કેસ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની પ્રખ્યાત આલ્ફા નવોદય અને સૈનિક તાલીમ કેન્દ્ર હોસ્ટેલની 10 વર્ષની બાળકીના મોત અંગેના ગંભીર કેસમાં સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હોસ્ટેલના સંચાલકો જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવાને મંજૂર કરવામાં આવેલા જામીન રદ કરવાની રજૂઆત કરતી ફરિયાદીની અરજીને ફગાવી દીધી છે અને સંચાલકોના જામીન બહાલ રાખ્યા છે.

ફરિયાદીએ પોતાની 10 વર્ષની પુત્રીને ગત તા.28.04.2026ના રોજ આ હોસ્ટેલમાં અભ્યાસ અર્થે દાખલ કરી હતી. હોસ્ટેલના કડક શિસ્તના નિયમોને કારણે વાલીઓને બાળકો સાથે મુક્તપણે વાતચીત કરવા દેવાતી ન હતી. દરમિયાન તા.18.06.2026ના રોજ બાળકીને ચિકનપોક્સ (અછબડા)ની અસર જણાયા બાદ તેણીએ સંચાલકોને જાણ કરી હતી, પરંતુ આક્ષેપ મુજબ સંચાલકોએ પરિવારને સમયસર જાણ કર્યા વિના પોતાની રીતે જ સારવાર આપી હતી.

બાળકીની તબીયત વધુ લથડતાં તા.24.06.2026ના રોજ તેને જસદણની સ્થાનિક હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટની અમૃતા બાળ હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ અને અંતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.