Gujarat

નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર

નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદને કારણે રસુવા જિલ્લા સહિત નેપાળના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને પગલે નેપાળમાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની સલામતી અને સહાય માટે જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના પરિવારજનો જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02876-285063/64 અને જિલ્લા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરી શકે છે. જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્તોની માહિતી મેળવી ઉચ્ચ તંત્ર સુધી પહોંચાડી જરૂરી સહાય માટે સંકલન કરાશે.

નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લાના કોઈ નાગરિક ફસાયેલા હોવાની જાણ થાય તો પરિવારજનો, સગાં-સંબંધીઓ અને ટૂર ઓપરેટરોને તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરાઈ છે. ફસાયેલા વ્યક્તિનું નામ, સંપર્ક નંબર, હાલનું સ્થળ અને અન્ય જરૂરી માહિતી આપવાથી રાહત અને બચાવ કામગીરીમાં સરળતા રહેશે.

આ ઉપરાંત, ગુજરાત રાજ્યના નાગરિકો અને તેમના પરિવારજનો માટે પણ રાજ્ય કક્ષાએ કંટ્રોલરૂમ અને હેલ્પલાઇનની વ્યવસ્થા કરાઈ છે. જરૂરિયાતમંદ લોકો રાજ્ય કંટ્રોલરૂમ નંબર 079-23251900, મોબાઇલ નંબર 9978405304 અને રાજ્ય હેલ્પલાઇન નંબર 1070 પર સંપર્ક કરી શકે છે. જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 1077 પર પણ માહિતી આપી શકાય છે.