Gujarat

રક્ષાબંધન પર્વ નિમિત્તે SOS સંસ્થાની બાળાઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શુક્રવારે લોકભવન-ગાંધીનગર ખાતે SOS સંસ્થાના કચ્છ-ભૂજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાળાઓ સાથે આત્મીય સંવાદ કરી તેમના શિક્ષણ, અભ્યાસ અને ભવિષ્યના ધ્યેયો અંગે જાણકારી મેળવી હતી. બાળાઓએ રાજ્યપાલશ્રીને પોતાના હાથે તૈયાર કરેલ પેઇન્ટિંગ ભેટ કરી હતી.

SOS સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ તથા સંભાળ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે રાજ્યપાલશ્રીએ માહિતી મેળવી હતી. સંસ્થા દ્વારા જરૂરિયતમંદ બાળકોને શાળા-કોલેજમાં શિક્ષણ મેળવવા માટે જરૂરી સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

હાલમાં દેશભરમાં SOS સંસ્થાના ૨૧ રાજ્યોમાં ૩૨ જેટલા કેન્દ્ર કાર્યરત છે. રાજ્યપાલશ્રીએ સંસ્થાની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફ આગળ વધારવાનું કાર્ય સમાજના ભવિષ્યના ઘડતર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ બાળાઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.