Gujarat

લાલપુરમાં સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આસ્થાનું કેન્દ્ર

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો વિવિધ આરાધના કરે છે. લાલપુરથી બે કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળામાં આવેલું સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સમગ્ર પંથક માટે અખૂટ આસ્થાનું કેન્દ્ર છે.

આ શિવાલયની વિશેષતા એ છે કે અહીં રાંધણવાના ખડખડ વહેતા ઝરણાં મહાદેવના ચરણો પખાડે છે, જે એક અલૌકિક દ્રશ્ય સર્જે છે. આ દ્રશ્ય ભક્તોમાં શ્રદ્ધા અને શાંતિનો અનુભવ કરાવે છે.

આ મહાદેવ મંદિરના પ્રાગટ્ય પાછળ એક અનોખી કથા જોડાયેલી છે. શહેરના વેલજીભાઈ રામાણીને સંવત ૧૯૮૦ના શ્રાવણ વદ દશમના રોજ પોતાની વાડીએ બાજરાનો પોખ પાડતી વખતે ટેકરી પર સૂકા લાકડા શોધતા છાણાંમાં ઓમકાર દેખાયો હતો. તેને લેવા જતાં સ્વયંભૂ મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હોવાની માન્યતા છે.

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાદેવનું પૂજન-અર્ચન કરીને સ્થાપના કરવામાં આવી હતી. સમય જતાં પૂજ્યપાદ પ્રેમગીરી બાપુના આગમન બાદ છાપરાની જગ્યાએ એક ભવ્ય અને વિશાળ શિવાલયનું નિર્માણ થયું. પ્રગટેશ્વર મહાદેવની બરોબર સામે ભગવતી ગિરજા ભવાની માતાનું મંદિર પણ બંધાયું છે.