ગોધરા શહેરમાં આવતીકાલે ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાશે. આ યાત્રા ગુજરાતમાં પ્રથમવાર ‘બેલેન્સિંગ ગણપતિ’ની મૂર્તિના આગમન માટે ખાસ બનશે. મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ દત્તે દ્વારા આ વિશાળ અને અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
આ મૂર્તિ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ચર્ચામાં આવેલી ‘બેલેન્સિંગ ગણપતિ’ની થીમ પર આધારિત છે. મૂર્તિનું સંતુલિત સ્વરૂપ અને તેની વિશાળતા આગમન યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે. અરુણ દત્તે દ્વારા તૈયાર કરાયેલી આ મૂર્તિ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.

આગમન યાત્રાને લઈને ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ગોધરા શહેરમાં યોજાનારી ભવ્ય યાત્રા દરમિયાન આ વિશાળ બેલેન્સિંગ ગણપતિના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. મુંબઈની કલા અને ગોધરાના ગણેશોત્સવનો આ અનોખો સંગમ શહેર માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

