Gujarat

શેરબજારમાં ૫ % વળતરની લાલચ આપી સુરતમાં યુવાન સાથે રૂ. ૧૩.૧૦ લાખની સાયબર ઠગાઈ

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા એક એન્જિનિયર યુવાન સાથે સાયબર ઠગાઈની ઘટના બનવા પામી હતી છે જેમાં, સાયબર ઠગો દ્વારા એક એન્જિનિયર યુવાનનો સંપર્ક કરી તેને શેરબજારમાં રોકાણ કરવાની સ્કીમો બતાવી હતી. ઠગોએ યુવકને વિશ્વાસમાં લીધો હતો કે જાે તે શેરબજારમાં નાણાં રોકશે તો તેને દર મહિને ૫ ટકા સુધીનો ચોક્કસ નફો (વળતર) મળશે જ તેવી લાલચ પણ આપવામાં આવી હતી.

સાયબર ઠગોની નફા ની લોભામણી વાતોમાં આવી જઈને એન્જિનિયર યુવકે શરૂઆતમાં નાની રકમ રોકી હતી. ત્યારબાદ વધુ વળતર મેળવવાની લાલચમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૧૩.૧૦ લાખ સાયબર માફિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.જ્યારે યુવકે પોતાના રોકેલા નાણાં અને નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને અલગ-અલગ ટેક્સ અને ચાર્જના નામે વધુ રૂપિયા ભરવા જણાવવામાં આવ્યું હતું.

આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં એન્જિનિયરે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.પોલીસે એન્જિનિયર યુવકની ફરિયાદના આધારે સાયબર ઠગાઈનો અતિ ગંભીર ગુનો નોંધી જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના ડેટા અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.