શહેરના માધુપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ અગાઉ એક વ્યક્તિ ફરિયાદ કરી હતી. જેની અદાવતમાં આરોપીનો ભાઈ યુવતીને ફરિયાદ પરત લેવા ધમકી આપતો હતો. થોડા સમય અગાઉ યુવતી એકલી જતી હતી ત્યારે આરોપીના ભાઈએ યુવતીને ગાળો આપી ફરિયાદ પરત ખેંચી લે નહીં તો તને, તારા પિતા અને ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે યુવતી ડરી જતા યુવતીએ ઉધઈની દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે માધવપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અગાઉની કેસના કારણે આરોપીનો ભાઈ ધમકી આપતો હતો માધુપુરામાં રહેતી 19 વર્ષીય પ્રિયંકા વાઘેલા ઘરકામ કરે છે. પ્રિયંકાની મોટી બહેન વસંતીએ વર્ષ 2024માં રાહુલ ડાભાણી નામના યુવક સાથે ભાગીને લવ મેરેજ કર્યા હતા. જૂન 2024માં રાહુલ ડાભાણીના ભાઈ દશરથ વિરુદ્ધ પ્રિયંકાએ ફરિયાદ કરી હતી.
પ્રિયંકા સામે પણ ફરિયાદ થઈ હતી. બંને કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે જેની અદાવત રાખીને દશરથનો નાનો ભાઈ દિનેશ પ્રિયંકાને હેરાન પરેશાન કરતો હતો અને કેસ પરત ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેના કારણે પ્રિયંકા માનસિક તણાવમાં રહેતી હતી.

