અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી તેના પરિવારની બે મહિલાના ફોટો અને બીભત્સ મેસેજ સગા-સંબંધીઓને મોકલવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા શખસે પરિણીતાના આઈડીનો પાસવર્ડ મેળવી અન્ય મોબાઈલમાં લોગઈન કરીને કારસો રચ્યો હતો. આ અંગે પરિણીતાએ અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સંબંધીઓને બીભત્સ મેસેજ મળતાં ભોપાળું બહાર આવ્યું પરિણીતા પોતાના નામે ઈન્સ્ટાગ્રામ આઈડી ચલાવે છે. આશરે 20 દિવસ પહેલાં તેના સગા-સંબંધીઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિણીતાના જ પરિવારની બે મહિલાના ફોટા અને બીભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હતા. સંબંધીઓએ પૂછપરછ કરતાં પરિણીતાએ આ અંગે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું અને પોતાના પતિને સમગ્ર બાબતની જાણ કરી હતી.
બીજા મોબાઈલમાં લોગઈન થયાનું ખુલતાં પોલીસ ફરિયાદ પરિણીતાના પતિએ મેસેજના સ્ક્રીનશોટ મંગાવીને તુરંત ઈન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કોઈ અજાણ્યા શખસે તેમના આઈડીનો પાસવર્ડ મેળવીને અન્ય મોબાઈલમાં એકાઉન્ટ લોગઈન કર્યું હતું અને બદનામ કરવાના ઈરાદે મેસેજ મોકલ્યા હતા. આ અંગે અમરાઈવાડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

