જામનગર એરપોર્ટ પર આતંકવાદ વિરોધી ‘મોકડ્રીલ’ યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડોએ 4 આતંકવાદીઓને ઠાર કરી તમામ બંધકોને સુરક્ષિત બચાવી લીધા હતા. આ કવાયતનો હેતુ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રની સંભવિત કટોકટી સામેની સજ્જતા ચકાસવાનો હતો.
મોકડ્રીલ દરમિયાન, જામનગર એરપોર્ટ પર 4 આતંકવાદીઓએ હુમલો કરી નાગરિકોને બંધક બનાવ્યા હોવાનો ડમી સિનારીયો બનાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમે એરપોર્ટ વિસ્તારને ઘેરી લીધો હતો.

જાનમાલને નુકસાન ન થાય તે માટે બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ જેવા સાધનો તૈનાત કરાયા હતા. આતંકી ઘટનાનો મેસેજ મળતા જ સંબંધિત વિભાગોની ટીમો થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઓપરેશનમાં સુરક્ષા દળો અને કમાન્ડોએ કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. તેમણે તમામ 4 આતંકવાદીઓને ઠાર કર્યા અને બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન કમાન્ડર કીર્તિદેવસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા અને એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર ચૌધરી સહિતના અધિકારીઓએ પોલીસ, આરોગ્ય, ફાયર, પી.જી.વી.સી.એલ., સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જેવા વિભાગો વચ્ચે ઝડપી સંકલન કર્યું હતું.

