વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિવિધ એકમો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરી લાલ આંખ કરવામાં આવી રહી છે. તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની આ ખાસ ડ્રાઇવમાં આરોગ્ય સાથે ચેડા કરનાર અનેક લોકોને દંડવામાં આવ્યા છે. અનેક યુનિટને બંધ કરવામાં આવે છે અને કેટલાયને નોટિસ પાઠવવામાં આવી છે. આજે મહાનગરપાલિકાના વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાદ્યપદાર્થોના એકમો પર આકસ્મિક ચેકિંગ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ તથા ડેઝીગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના એકમો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરાના ઇનોર્બિટ મોલ સામે-ગોરવા, એલેમ્બિક સીટી, વાસણા-ભાયલી રોડ, નીલાંબર સર્કલ, સુરસાગર તળાવ પાસે, જાંબુવા બાયપાસ, હરણી-સમા લિંક રોડ, સયાજીગંજ અને અકોટા સહિતના વિસ્તારોમાં આવેલ હોકર, રીટેલર, ટી-શોપ, ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને રેસ્ટોરન્ટ મળી કુલ 22 જેટલા એકમોનું ગહન ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરીજનોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને હાઇજેનિક ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

