વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રાત્રિના સમયે આત્મહત્યા કરવાના ઇરાદે એકલી બેઠેલી 25 વર્ષીય યુવતીને અભયમની ટીમે બચાવી લીધી હતી. યુવતીને એકલી જોઈ સ્થાનિક લોકોએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતાં ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને યુવતીનું કાઉન્સેલિંગ કરી સમગ્ર હકીકત જાણી હતી.
અભયમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે યુવતી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક આવેલી એક સોસાયટીની બહાર બેઠેલી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતી અંકલેશ્વરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીના જણાવ્યા મુજબ, તે અંકલેશ્વરથી તેના પિતા સાથે કામ અર્થે સુરત ગઈ હતી. ઘરે પરત આવ્યા બાદ માતા-પિતા વચ્ચે થતા અવારનવાર ઝઘડાથી તે માનસિક રીતે પરેશાન હતી. યુવતીએ જણાવ્યું હતું કે, પિતા અવારનવાર અપશબ્દો બોલતા અને તેને ઘરેથી નીકળી જવા કહેતા હતા.
પરિવારમાં સતત થતા ઝઘડા અને માનસિક તણાવથી કંટાળીને યુવતીએ માતા પાસેથી રૂ.200 માંગ્યા હતા અને ટ્રેનમાં બેસીને વડોદરા આવી પહોંચી હતી. રાત્રિના આશરે 12 વાગ્યે યુવતી સોસાયટી પાસે એકલી બેઠેલી જોવા મળતાં સ્થાનિક લોકોએ તેની પૂછપરછ કરી હતી.
યુવતીએ આત્મહત્યા કરવા માટે આવી હોવાનું જણાવતાં સ્થાનિકોએ તેને ત્યાં બેસાડી અભયમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરતાં યુવતીને ડિપ્રેશનની દવા પણ ચાલુ હોવાનું અને દવા લેવા માટે તે સુરત ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ હોમ સાયન્સનો કોર્સ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું.

