Gujarat

ત્રણ વર્ષથી કેનાલનું રિપેરિંગ થતાં ડુંગરવાટના ખેડૂતો અટવાયાં

પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ પંથકના ખેડૂતોને વરસાદ ખેંચાઇ જતાં હાલ ચિંતામાં છે. સિંચાઈ માટે પાણીની ખૂબ જરૂરિયાત છે. ત્યારે સુખી જળાશયમાંથી પાણી આપવાની માંગ કરી રહ્યા છે. પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે આવેલ સુખી ડેમ જિલ્લાની 20 હજાર હેક્ટર કરતાં વધુ જમીનને સિંચાઈ પૂરું પાડી શકાય તે માટે બનાવાયો હતો. આ યોજના અંતર્ગત અસંખ્ય ખેડૂતોના જીવનમાં પરિવર્તન પણ આવ્યું. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સુખી સિંચાઈ યોજનાની નહેરોના નવીનીકરણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું નથી.

હાલમાં ડુંગરવાંટ પંથકના ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની તાતી જરૂરિયાત છે. ત્યારે સુખી સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવતું નથી, સુખી ડેમની સપાટી અત્યારે 146.83 મીટરની છે. જે લગભગ ફુલ કહી શકાય તેટલી છે. સુખી જળાશય યોજનાની મહત્તમ સપાટી 147.82 મીટરની છે. ખેડૂતોની ઉગ્ર માગ છે કે તેઓને સુખી ડેમમાંથી સિંચાઇ પાણી પૂરું પાડવામાં આવે જેથી તેમનો ઊભો પાક બચી શકે.

વરસાદે ફરી હાથતાળી આપી દેતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા અત્યારે તો વરસાદ ખેંચાઇ ગયો છે. જેને કારણે ખેડૂતોનો ઉભો પાક પાણીના અભાવે સૂકાઈ જાય તેવી પરિસ્થિતિ છે. અગાઉ વરસાદ મોડો પડતાં ખેડૂતોને બે બે વખત મોંઘા ભાવના બિયારણ ફેલ થઈ ગયા હતા. બાદ ફરી બિયારણ વાવી બાદ વરસાદ આવતાં સારો એવો ખર્ચો કરીને પાકને તૈયાર કર્યો, ત્યારે ફરી વરસાદે હાથ તાળી આપી દેતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.