National

પશ્ચિમ બંગાળ સરકારે સમીક્ષા બાદ ૨૫૨ મદ્રસા બંધ કર્યા, અન્ય ૧૦૦ને કારણદર્શક નોટિસ ફટકારી

પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યમાં ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓની સમીક્ષા કરી રહી છે અને તે અંતર્ગત ૨૫૨ મદ્રસાઓને બંધ કરવાની નોટિસ જારી કરી છે. ચકાસણી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં અન્ય ૧૦૦ મદ્રસાઓને પણ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.

અહેવાલો સૂચવે છે કે બંધ થવાના આરે રહેલી ૨૫૨ મદ્રસાઓમાંથી મોટાભાગની ‘ખારીજી‘ સંપ્રદાયની છે. તેમાંથી ઓછામાં ઓછી ૪૪ મદ્રસાઓ માલદામાં, ૩૭ ઉત્તર દિનાજપુરમાં, ૩૨ દક્ષિણ ૨૪ પરગણામાં અને ૨૫-૨૫ મદ્રસાઓ નાદિયા અને મુર્શિદાબાદમાં આવેલી છે.

લઘુમતી બાબતોના મંત્રી ખુદીરામ ટુડુએ ચેતવણી આપી હતી કે કારણદર્શક નોટિસ મેળવનાર મદ્રસાઓએ માન્ય અધિકૃતતા રજૂ કરવી પડશે, અન્યથા તેમને બંધ કરી દેવામાં આવશે.

રાજ્યમાં માન્યતા પ્રાપ્ત અને બિન-માન્યતા પ્રાપ્ત મદ્રસાઓની સંખ્યા નક્કી કરવા માટે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જૂન મહિનામાં રાજ્યવ્યાપી સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો.

ત્યારબાદ, લઘુમતી બાબતો અને મદ્રસા શિક્ષણ વિભાગ દ્વારા કોલકાતા અને અન્ય ૨૨ જિલ્લાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મદ્રસાની વ્યવસ્થાપન પ્રણાલી, વિદ્યાર્થીઓની નોંધણી, ભંડોળના સ્ત્રોતો અને નોંધણીની સ્થિતિની તપાસ કરવામાં આવી હતી.

ટુડુએ કહ્યું, “તપાસના તારણોના આધારે, પ્રથમ તબક્કામાં ૨૫૨ મદ્રસાઓને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય ૧૦૦ મદ્રસાઓને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે જ્યાં વધુ ગંભીર અનિયમિતતાઓ જાેવા મળી હતી. જાે આ સંસ્થાઓ પુરાવા અથવા માન્ય અધિકૃતતા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.”

તેમણે ઉમેર્યું કે હાલમાં બંગાળમાં ૨,૧૩૨ મદ્રસાઓ માન્ય મંજૂરી સાથે કાર્યરત છે, જ્યારે બિન-મંજૂર મદ્રસાઓની સંખ્યા ૨,૩૯૬ છે.

મદ્રસાઓ સામેની આ કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં શાબ્દિક ટકરાવ શરૂ થયો છે.

ભાજપના રાજ્ય પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ સરકારી પગલાંનો બચાવ કરતા સરહદી વિસ્તારોમાં “કટ્ટરપંથીકરણ” ની પ્રવૃત્તિઓમાં થયેલા વધારા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે દાવો કર્યો, “મદ્રસા શિક્ષણની આડમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવી એ સરકારની જવાબદારી છે. તેથી, સરકારે આ પગલું ભર્યું છે.” બંગાળના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અગ્નિમિત્રા પોલે પણ મદ્રસાઓ સામેની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા દાવો કર્યો હતો કે આવી સંસ્થાઓ “રાષ્ટ્રવિરોધી શિક્ષણને પ્રોત્સાહન” આપતી હતી. તેમણે દાવો કર્યો કે, “બાંગ્લાદેશ સ્થિત આતંકવાદીઓ આવી બિન-માન્યતાપ્રાપ્ત મદ્રસાઓમાં આશરો લેતા હતા. અમે શિક્ષણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માંગીએ છીએ.”

તૃણમૂલના ધારાસભ્ય કુણાલ ઘોષે કહ્યું કે મદ્રસાઓ માત્ર એક શિક્ષણ પ્રણાલી છે અને મદ્રસાઓ સામે “આતંકવાદને લગતી ટિપ્પણીઓ” કરવી યોગ્ય નથી.