Gujarat

વાહનના ઈ-ચલણના નામે ઠગાઈ

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને EME આર્મી કેમ્પમાં ફરજ બજાવતા 47 વર્ષીય સુબેદાર સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. વાહનના ખોટા ઈ-ચલણના નામે આવેલા મેસેજમાં આપેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં જ અજાણ્યા ઠગોએ સુબેદારના SBI ક્રેડિટ કાર્ડમાંથી ₹71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું. આ મામલે આર્મી જવાને હરણી પોલીસ સ્ટેશન તેમજ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

‘સિગ્નલ તોડવા બદલ ₹1000 નો દંડ’ કહી લિંક મોકલી હરણી વિસ્તારમાં રહેતા સુબેદાર ભાસ્કરણ ઉદયારને ગત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો.

જેમાં ગાડી નંબરનો ઉલ્લેખ કરી ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવા બદલ ₹1,000નો દંડ થયો હોવાનું જણાવાયું હતું અને ચલણની વિગતો જોવા તેમજ પેમેન્ટ કરવા માટે એક લિંક આપવામાં આવી હતી. સુબેદારની દીકરી વતનમાં ટુ-વ્હીલર ચલાવતી હોવાથી તેણે નિયમભંગ કર્યો હોવાનું માની સુબેદારે મેસેજને સાચો ગણી લિંક ઓપન કરી હતી.

એમેઝોન પર BGMI ગેમિંગ વાઉચરની ખરીદી કરી લિંક ઓપન કર્યાના બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે બપોરે સુબેદારના ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાંથી અચાનક ₹71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઈ ગયાનો મેસેજ આવ્યો હતો. અનધિકૃત ટ્રાન્ઝેક્શન જોઈ ચોંકી ઉઠેલા સુબેદારે તરત જ પોતાનું એમેઝોન એકાઉન્ટ તપાસતાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા ગઠિયાઓએ આ રકમમાંથી ‘BGMI UC Official Voucher’ ની મોટી ખરીદી કરી લીધી હતી.