દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જાેરદાર બેટિંગથી સમગ્ર નવસારી જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પડેલા મુસળધાર વરસાદને પગલે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે અને નદી બંને કાંઠે વહેતી થઈ છે.
કાવેરી નદીના જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર ચોમાસાની ચાલુ સિઝનમાં ત્રીજી વાર જળમગ્ન બન્યું છે. શિવાલયમાં કાવેરી નદીના પાણી પ્રવેશતાં જ સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં અદ્ભુત ધાર્મિક દ્રશ્યો જાેવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન સમગ્ર નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આશંકા અને કાવેરી નદીની ભયજનક સપાટીને ધ્યાને રાખીને સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષાના ભાગરૂપે કાવેરી નદીકાંઠાના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા, સેલ્ફી ન લેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસી જવા માટે સત્તાવાર સૂચનાઓ આપી દેવામાં આવી છે.

