જામનગરના ટાઉનહોલ સર્કલને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી નવી ઓળખ મળી છે. વનતારા થીમ પર વિકસાવવામાં આવેલા આ સર્કલનું લોકાર્પણ રવિવારે થયું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ, PPP પ્રોજેક્ટ અંતર્ગત આ સર્કલને સુંદર બનાવવામાં આવ્યું છે. તેમાં શહેરી વિકાસ સાથે પ્રકૃતિ અને વન્યજીવન સંરક્ષણનો વિચાર રજૂ કરાયો છે. વન્યજીવનને લોકોના રોજિંદા જીવન સાથે જોડવાના હેતુથી સર્કલને વનતારા થીમ આધારિત બનાવાયું છે.

આ સર્કલમાં વિશાળ સિંહનું શિલ્પ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેની સાથે ચિતલ (હરણ), સારસ અને અજગર સહિતના વિવિધ વન્યજીવોના શિલ્પો પણ પ્રતીકાત્મક રીતે રજૂ કરાયા છે. આ સર્કલને જોવા માટે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ઉમટી પડ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓની મહિનાઓની મહેનત બાદ ટાઉન હોલ સર્કલને આ નવું અને આકર્ષક સ્વરૂપ મળ્યું છે. નવા બનેલા સર્કલમાં સુંદર લેન્ડસ્કેપિંગ અને આકર્ષક રેલિંગ જેવી સુવિધાઓ છે. આ સર્કલના નિર્માણ ઉપરાંત, તેનો નિભાવ (મેઈન્ટેનન્સ) પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ કરશે.

લોકાર્પણ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ચૂંટાયેલા નગરસેવકો, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા અને મહાનગરપાલિકા તથા રિલાયન્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

