Gujarat

જામજોધપુર અને લાલપુરમાંથી જુગાર રમતા 18 ઝડપાયા

જામનગર જિલ્લા પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા જામજોધપુર અને લાલપુર તાલુકામાં દરોડા પાડ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ સ્થળેથી કુલ 18 જુગારીઓને ઝડપી લીધા હતા. જામજોધપુરની વાડીમાંથી ₹7.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે, જ્યારે લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વાડીના બે ભાગમાંથી 12 જુગારીઓ ઝડપાયા જામજોધપુરના કોટડા બાવીશી ગામની સીમમાં આવેલી વાડીમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. 17 સપ્ટેમ્બરની વહેલી સવારે પડેલા આ દરોડામાં વાડીના બે અલગ-અલગ ભાગમાં ચાલતા જુગારના અખાડામાંથી કુલ 12 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.

રૂપિયા 7.56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે પ્રથમ અખાડામાંથી ₹22,300 ની રોકડ, ગંજીપત્તા, 4 મોબાઈલ અને 1 મોટરસાયકલ મળી કુલ ₹72,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા અખાડામાંથી ₹2,12,300 ની રોકડ, 5 મોબાઈલ અને 1 કાર મળી ₹6,84,300 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આમ પોલીસે કુલ ₹7,56,600 નો મુદ્દામાલ જપ્ત કરી 12 શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

લાલપુરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર બીજી તરફ લાલપુર પોલીસે 16 સપ્ટેમ્બરની રાત્રે જશાપર ગામના પાદરમાં દરોડો પાડ્યો હતો. ત્યાં સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા 6 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.