પંચમહાલના શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. પોલીસે આ કેસમાં કુલ ₹15,91,966નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
LCB પોલીસને બાતમી મળી હતી કે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો મહેન્દ્રસિંહ રાઠોડે નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નવા વલ્લભપુર ગામની એક અવાવરુ જગ્યાએ સંતાડ્યો છે.

આ બાતમીના આધારે પીએસઆઈ ડી.એન. પરમાર અને LCBની ટીમે સ્થળ પર તપાસ કરી. તપાસ દરમિયાન સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે દારૂની બોટલો, હાફ બોટલો, ક્વાર્ટરિયા અને બીયરના ટીન સહિત કુલ 50 પેટીઓમાંથી 2,039 નંગ દારૂ-બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ₹10 લાખની સ્કોર્પિયો ગાડી પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ ₹15,91,966નો મુદ્દામાલ જપ્ત કર્યો.

