સાયબર ગઠીયાઓ અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરે છે. જેમાં RTO ચલણ,GES લાઇન બિલના નામે APK ફાઇલ મોકલી ઠગાઈ કરતા હોય છે. ત્યારે હવે શહેરના મણિનગરમાં લગ્નની આમંત્રણની કંકોત્રીની APK ફાઈલ મોકલીને ગઠિયાએ વૃદ્ધના ફોનનું એક્સેસ મેળવીને બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 15.45 લાખ ટ્રાન્સફર કરી દીધા છે. જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
કંકોત્રી આવ્યાના એક મહિના બાદ પૈસા ટ્રાન્સફર થયા મણિનગરમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ નિવૃત છે. વૃદ્ધ અગાઉ જ્યાં કામ કરતા ત્યારના એક પરિચિત વ્યક્તિના નંબર પરથી વેડિંગ rન્વિટેશન કાર્ડના નામે વોટ્સએપમાં apk ફાઇલ આવી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરી ક્લિક કરી વૃદ્ધે તરત જ બંધ પણ કરી દીધી હતી. બાદમાં એક મહિના બાદ વૃદ્ધના ફોનમાં ઘણા બધા OTP આવવા લાગ્યા હતા. વૃદ્ધ ધાંગધ્રા હોવાથી પત્નીને બેંકમાં મોકલીને પાસબુક પ્રિન્ટ કરાવવા કહ્યું હતું.
APK ફાઈલ મોકલી 15.45 લાખ પડાવી લીધા બેંકમાં હડતાળ હોવાથી બે દિવસ સુધી પાસબુક પ્રિન્ટ થઈ ન હતી. પાસબુક પ્રિન્ટ થઈને આવી ત્યારે જાણ થઈ હતી કે તેમના ખાતામાં અલગ અલગ 26 ટ્રાન્જેક્શન દ્વારા ગઠિયાએ UPI કરી 15.45 લાખ ટ્રાન્સફર કરી દીધા છે. વૃદ્ધે ફાઇલ મોકલનાર વ્યક્તિને પૂછ્યું ત્યારે તેનો ફોન હેક થયો હોવાનું જાણવા મળ્યું હતું એટલે કે સાયબર ગઠિયાએ તેમના પરિચિત વ્યક્તિનો ફોન હેક કરી apk ફાઇલ મોકલીને લખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

