Gujarat

મહુડી મંદિર કર્મીના પુત્રનું કારસ્તાન, મહારાજ સાહેબનો ઓડિયો ચાલુ કરી દાન માગ્યુ, પૈસા ગેમિંગમાં ઉડાવ્યા

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાન અને નરરત્ન મહારાજ સાહેબના નામે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મહુડી મંદિરના કર્મચારીના પુત્રએ દર વખતે ફોન કરીને મહારાજ સાહેબનો ઓડિયો ચાલુ રાખીને 20 દિવસ જુદી-જુદી દાનની રકમ આંગડિયા અને બેંક એકાઉન્ટમાં મેળવી હતી. વેપારીને જાણ થતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ રકમ માગતા દાન સમજીને આપી દીધી 67 વર્ષીય મયુરભાઈ ઇલેક્ટ્રિક વસ્તુઓનું મેન્ચ્યુફેક્ચરીંગનો ધંધો કરે છે. મયુરભાઈને 23 જુલાઈમાં રોજ તેજસ શાહ નામના વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, હું નરરત્ન મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું, તમારે કોઈ રકમ દાન કરવાની છે? જેથી મયુરભાઈ હા પાડતા તેજસે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો, જેમાં મયુરભાઈ પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેજસે મહારાજ સાહેબના નામે વધુ રકમ માંગતા મયુરભાઈએ દાન સમજીને આપી હતી.

ફોન ન ઉપાડતા ઉપાશ્રયમાં તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો તેજસે પ્રાંતિજ અને દ્વારકામાં પોતાના નામે આંગડિયામાં પણ દાનના નામે લાખોની રકમ મંગાવી હતી. મયુરભાઈ 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીમાં કુલ 21.79 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પૈસા આપ્યા બાદ તેજસને ફોન કરતા તેજસનો સંપર્ક થતો નહોતો, જેથી મયુરભાઈએ તેમના દીકરા દ્વારા ઉપાશ્રયમાં તપાસ કરાવી તો ઉપાશ્રય કે મહારાજ સાહેબ દ્વારા આવી કોઈ રકમ દાન માટે મંગાવવામાં આવી નહોંતી.