Gujarat

‘બોબો’ ઘર પાસે ઇકો અને મારુતિ 800માં વિદેશી દારુ વેચતો

મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે સતત પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.આ પેટ્રોલીંગ દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકાના લાંધણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબલીયાસણ ગામના ચરાડુ પરા વિસ્તારમાં રહેતો ઠાકોર લાલાજી ઉર્ફે બોબો રામાજી પોતાના ઘરના આંગણામાં ઇકો અને મારુતિ 800 ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ અર્થે સંગ્રહ કરી રહ્યો છે.

વિદેશી દારૂ તથા બીયરની 881 સીલબંધ બોટલો/ટીન મળ્યા બાતમીના આધારે LCB PSI એ.ડી. કાકરેચા અને તેમની ટીમે પંચોને સાથે રાખીને સદરી સ્થળે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન મકાન આગળ પાર્ક કરેલી મારુતિ સુઝુકી 800 (નંબર GJ-24-A-2962) અને મારુતિ ઇકો (નંબર GJ-02-DM-4949)માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બીયરની કુલ 1881 સીલબંધ બોટલો/ટીન (531 લીટર) મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,93,064 થાય છે.

10.43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બૂટલેગર ફરાર પોલીસે રૂ. 5,93,064નો વિદેશી દારૂ, રૂ. 4,00,000 ની કિંમતની ઇકો ગાડી, રૂ. 50 હજાર ની કિંમતની મારુતિ 800 ગાડી તથા પી.યુ.સી. સર્ટિફિકેટ અને બિલ સહિત કુલ રૂ. 10,43,064 નો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા સમયે આરોપી ઠાકોર લાલાજી ઉર્ફે બોબો રામાજી હાજર મળી આવ્યો ન હતો, જેથી તેની સામે લાંધણજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.