મોરબીમાં આપઘાતની ઘટનાઓ રોકવા માટે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા એક નવો પ્રયાસ કરાયો છે. આ અંતર્ગત, યુવક-યુવતીઓ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉભા રહ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યું કે જ્યારે પણ જીવન ટૂંકાવવાનો વિચાર આવે, ત્યારે કોઈની સાથે વાતચીત કરવી જોઈએ.

મચ્છુ નદીના કાંઠે બની રહેલા BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી એક મહિનામાં યોજાવાનો છે. આ મહોત્સવ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંતોએ આ પહેલ કરી છે. મોરબીના રામચોક, ઉમિયા સર્કલ, જયદીપ હાઉસ ચોક અને સ્વાગત ચોકડી પાસે યુવક-યુવતીઓ ઉભા રહ્યા હતા.
તેમણે પસાર થતા લોકોને સમજાવ્યું કે જ્યારે પણ આપઘાતનો વિચાર આવે, ત્યારે “ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે” એવું વિચારવું. તેમને સલાહ આપવામાં આવી કે આપઘાત કરવાને બદલે પરિવારના સભ્ય, મિત્ર કે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ. આમ કરવાથી ક્ષણિક આવેગમાં લેવાતા ખોટા પગલાં રોકી શકાય છે.

આ કાર્યક્રમમાં એ પણ સમજાવવામાં આવ્યું કે આપઘાત કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં, પરંતુ તેના પરિવારને પણ ઘણી મુશ્કેલીઓમાં મૂકે છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાનો હેતુ મોરબીને આપઘાત મુક્ત બનાવવાનો છે. આ જાગૃતિ કાર્યક્રમમાં BAPS મોરબી સંસ્થાના સ્વામી હરિસ્મરણદાસજી, સ્વરૂપનિષ્ઠ સ્વામી અને અન્ય સંતો પણ જોડાયા હતા.


