Gujarat

જામનગર કમિશનર દિપેશ કેડિયાની જનતાને અપીલ

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાએ શહેરના નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, બાકી મિલકત વેરો વહેલી તકે ભરપાઈ કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ જામનગરમાં પાણીની સ્થિતિ સંતોષકારક છે. નર્મદા ડેમમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી આગામી ચોમાસા સુધી શહેરને જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવશે.

છેલ્લા એક-બે અઠવાડિયાથી જામનગરને દૈનિક 10થી 12 MCFT જેટલો પાણીનો જથ્થો મળી રહ્યો છે. શહેરના ચારેય સ્રોતોમાંથી જરૂરિયાત મુજબ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. હાલ શહેરમાં દૈનિક આશરે 150 MLD એટલે કે 5થી 6 MCFT પાણીની ખપત થાય છે, જ્યારે મુખ્ય ત્રણ સ્રોતોમાં 10-10 MCFT જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.

ઓછા વરસાદને ધ્યાનમાં રાખી પાણીનો બગાડ ન કરવા અપીલ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવા છતાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને નર્મદા ડેમમાં પર્યાપ્ત જથ્થો હોવાથી પાણી પુરવઠાને લઈને હાલ ચિંતા કરવાની સ્થિતિ નથી. રાજ્ય સરકાર આગામી ચોમાસા સુધીના જળ આયોજનનું સતત મોનિટરિંગ કરી રહી છે. જોકે ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને પાણીનો બગાડ ટાળવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા કમિશનરે અપીલ કરી છે.

17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન જામનગર શહેરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા નાગરિકોને ઘર તથા વેપારી એકમોમાંથી નીકળતો કચરો માત્ર કચરા કલેક્શન વાહનમાં જ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા પણ અપીલ કરવામાં આવી છે.