Gujarat

પ્રેમસંબંધનો વિરોધ કરતા પત્નીને ધમકી- ‘ઝેર આપીને પતાવી દઈશ’

સુરત શહેરમાં લગ્નેતર સંબંધો અને ઘરેલુ હિંસાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કઠોદરા ગઢપુર ટાઉનશીપમાં રહેતા અને જાણીતી શીક્ષા ટીવી નામની ચેનલ ચલાવતા યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનો વિરોધ કરતાં પરિણીતા અને તેની માસૂમ દીકરીને ઝેર આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ લસકાણા પોલીસ મથકે નોંધાઈ છે. આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે લસકાણા પોલીસે પતિ, તેની પ્રેમિકા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

2015માં જતીન મોરડીયા સાથે થયા હતા લગ્ન મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઝીઝાવદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા યોગીચોક ખાતે પિતા સાથે રહેતી 35 વર્ષીય વિરલબેનના લગ્ન વર્ષ 2015માં રીતિ-રિવાજ મુજબ જતીન મોરડીયા સાથે થયા હતા. લગ્ન બાદ વિરલબેન પતિ સાથે કઠોદરા સ્થિત ગઢપુર ટાઉનશીપમાં સાસરીમાં રહેવા આવ્યા હતા. પતિ જતીન શરૂઆતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો અને ત્યારબાદ તેણે ‘શીક્ષા ટીવી’ નામની ચેનલ શરૂ કરી હતી. બંનેના સુખી દાંપત્યજીવનમાં વર્ષ 2020માં દીકરી શીક્ષાનો જન્મ થયો હતો.

2017માં પહેલીવાર અફેર પકડાયું, માફી આપ્યા બાદ ફરી સંબંધ ચાલુ રાખ્યા ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2017માં જતીન ક્રિષ્ના નામની યુવતી સાથે ફોન પર વાતચીત કરતા પકડાઈ ગયો હતો. તે સમયે પરિવારના વડીલો વચ્ચે પડતાં બંને વચ્ચે સમાધાન થયું હતું અને પત્નીએ પતિને માફ કરી દીધો હતો. જોકે, દીકરીના જન્મ બાદ જતીન ફરીથી ક્રિષ્ના સાથે પ્રેમસંબંધ રાખતો રંગેહાથ પકડાયો હતો. પત્નીએ આ અંગે વિરોધ કરતાં જતીને ઝઘડો શરૂ કર્યો હતો.