જામનગરમાં જિલ્લા વહીવટી તંત્રના સેવા સંકલ્પ અભિયાન હેઠળ માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આજે રોડ સેફ્ટી રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન શહેરના રસ્તાઓ પર સુરક્ષિત વાહન ચલાવવાનો સંદેશ ગુંજ્યો હતો. વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા પણ અપીલ કરાઈ હતી.

આ રોડ સેફ્ટી રેલીમાં જામનગર જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.
રેલી દરમિયાન માર્ગ સલામતીના નિયમો વિશે લોકોને જાગૃત કરાયા હતા. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ચોક્કસ ઉપયોગ કરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને અન્ય વાહનચાલકોની સલામતીનું પણ ધ્યાન રાખીને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી આ જનજાગૃતિ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતો ઘટાડવાનો અને નાગરિકોમાં સુરક્ષિત વાહન ચલાવવા અંગે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ રેલી દ્વારા ‘સેફ ડ્રાઇવિંગ’ અને ‘સુરક્ષિત મુસાફરી’નો સંદેશ જામનગર શહેરના રસ્તાઓ પર પહોંચાડાયો હતો.

