જામનગર શહેરમાં વીજચોરી ડામવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિજિલન્સ વિભાગની 51 જેટલી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. આ સામૂહિક કાર્યવાહી દરમિયાન અંદાજે 700 કનેક્શનમાં ગેરરીતિ અને વીજચોરી પકડાઈ છે. જેના પગલે ગેરકાયદેસર કનેક્શન ધરાવનારાઓ સામે આકરા પગલાં ભરીને કાયદેસરની દંડનીય કાર્યવાહી કરાઈ છે.
51 વિજિલન્સ ટીમોનું સરપ્રાઈઝ ચેકિંગ PGVCLના વિજિલન્સ વિભાગ દ્વારા જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોને આવરી લઈને આયોજનબદ્ધ રીતે આ ચેકિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. કંપનીની 51 જેટલી ટીમોએ એકસાથે જુદા-જુદા વિસ્તારોમાં ત્રાટકીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનને કારણે સમગ્ર શહેરમાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો હતો.

700 કનેક્શનમાં ગેરરીતિ અને ચોરી પકડાઈ વીજ કંપનીની ટીમો દ્વારા શહેરના રહેણાંક વિસ્તાર ઉપરાંત વિવિધ વ્યાપારી એકમોના વીજ કનેક્શનોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 700 જેટલા કનેક્શનમાં ગેરરીતિ, મીટર સાથે ચેડાં અને સીધી લાઈનમાંથી થતી વીજચોરી પકડાઈ હતી. પોલીસે અને વિજિલન્સ ટીમે સ્થળ પર જ વિગતવાર પંચનામા કરીને ગેરકાયદેસર જોડાણો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

