Gujarat

કઠવાડા GIDCમાં ફેક્ટરીએ જતા પિતા-પુત્રને અકસ્માત નડ્યો

અમદાવાદ નજીક આવેલા કઠવાડા ઔદ્યોગિક વિસ્તાર (GIDC) માં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇક પર સવાર થઈ પોતાની ફેક્ટરીએ જઈ રહેલા પિતા-પુત્રને બેફામ આવી રહેલા એક ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધ પિતા પાર્ક કરેલી ટ્રક અને ટેમ્પો વચ્ચે દબાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવને પગલે ‘આઇ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાર્ક કરેલી ટ્રકની બાજુમાંથી અચાનક ટેમ્પો આવ્યો મળતી માહિતી મુજબ, કણભા ખાતે રહેતા રવિન્દ્રભાઇ પંચાલ કઠવાડા GIDCમાં પેનલ બનાવવાનું કારખાનું ધરાવે છે. રવિવારે તેઓ પોતાના પિતા કીર્તિભાઇ પંચાલ સાથે ઇલેક્ટ્રિક બાઇક પર ફેક્ટરી તરફ જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ કઠવાડા GIDCના ગેઈટ નંબર-15 નજીક પહોંચ્યા ત્યારે રોડ સાઇડમાં એક ટ્રક પાર્ક કરેલી હોવાથી રવિન્દ્રભાઇએ સાવચેતીપૂર્વક બાઇકની ગતિ ધીમી કરી હતી.

તે દરમિયાન ટ્રકની બાજુમાંથી અચાનક એક ટેમ્પો બહાર આવ્યો હતો અને ચાલકે અચાનક જમણી તરફ વાહન વાળતાં ઇલેક્ટ્રિક બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને પિતા-પુત્ર બાઇક પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.

વૃદ્ધ પિતા બંને વાહનો વચ્ચે દબાયા અકસ્માત દરમિયાન રવિન્દ્રભાઇ ટ્રકની નીચે ફસાઈ ગયા હતા, જ્યારે તેમના પિતા કીર્તીભાઇ પાર્ક કરેલી ટ્રક અને ટેમ્પો વચ્ચે ખરાબ રીતે દબાઈ ગયા હતા. ધડાકાભેર થયેલા અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ફેક્ટરી કામદારો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવી કીર્તીભાઇને વાહનો વચ્ચેથી બહાર કાઢી તાબડતોબ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, માથા તેમજ શરીરના ભાગે થયેલી ગંભીર ઇજાઓને કારણે ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.