સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. મનપાના તાપીપુરા (મુગલીસરા) ખાતે વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને એસીબીએ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
એક જાગૃત નાગરિક (કર્મચારી)ની પત્ની ગર્ભવતી હોવાથી તેમને અવારનવાર ડોક્ટર પાસે સારવાર માટે જવું પડતું હતું. ચાલુ ફરજ દરમિયાન તેમને હોસ્પિટલ જવા દેવા, તેમની ગેરહાજરી ન પૂરવા અને કોઈ મેમો ન આપવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. આખરે આ ભ્રષ્ટ અધિકારી પોતાની સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં જ લાંચના રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયો છે.
ગેરહાજરી ન પૂરવા અને મેમો ન આપવાના બહાને લાંચ માગી ફરિયાદીની પત્ની પ્રેગ્નેન્ટ હોવાના કારણે તેમને વારંવાર ડોક્ટરની મુલાકાતે જવાની મજબૂરી હતી. કટોકટીના આ સમયમાં સહકાર આપવાના બદલે આરોપી સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખે પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. તેણે ફરિયાદીને નોકરીમાં ગેરહાજર ન દર્શાવવા અને કોઈપણ પ્રકારનો ખાતાકીય મેમો ન આપવાના અવેજ પેટે રૂપિયા 25,000ની મોટી રકમની લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી આવા ભ્રષ્ટ અધિકારીને લાંચ આપવા માંગતા ન હતા.
જાગૃત નાગરિકે સીધો જ ACBનો સંપર્ક કર્યો અન્યાય સામે ઝૂકવાના બદલે અને લાંચની રકમ ચૂકવવાના બદલે ફરિયાદીએ સીધો જ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક સાધ્યો હતો. એસીબી સમક્ષ સમગ્ર હકીકત જણાવતા ઉચ્ચ અધિકારીઓએ આ લાંચિયા બાબુને પાઠ ભણાવવા માટે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબીના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીમાં અત્યંત ગુપ્ત રીતે આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

