સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે જાહેર પરિવહન સેવાને વધુ સુદૃઢ, આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરતીઓ માટે સિટીબસની કનેક્ટિવિટી વધુ સુગમ બને તે માટે પાલિકાને આગામી નવેમ્બર મહિના સુધીમાં નવી 100 ઇલેક્ટ્રિક બસો મળે તે દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ નવીન ઇલેક્ટ્રિક બસો તમામ તકનીકી અને સલામતીના માપદંડો મુજબ ખરી ઊતરે છે કે નહીં તેની ચકાસણી માટે આવતી કાલે મંગળવારથી તેનો વિધિવત ટ્રાયલ રન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિવિધ માર્ગો પર પ્રતિદિન 650થી વધુ બસો દોડી રહી સુરત પાલિકા દ્વારા શહેરીજનોને વ્યાજબી અને ઓછા દરે સુગમ ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડવા માટે સિટીબસ અને BRTS નેટવર્કનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં સુરતના વિવિધ માર્ગો પર પ્રતિદિન 650થી વધુ બસો દોડી રહી છે, જેનો લાભ રોજના આશરે 2.25 લાખથી પણ વધુ મુસાફરો લઈ રહ્યા છે.
600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવા રજૂઆત જોકે, વધતા પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્યથી પાલિકા તબક્કાવાર જૂની ડીઝલ બસોના સ્થાને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરી રહી છે. આ ગ્રીન મોબિલિટી અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કુલ 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવા માટે સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી.

