શાહીબાગના સ્વ. પંકજભાઈ પરમારના ત્વચા અને નેત્રદાનથી જરૂરિયાતમંદોને મળશે નવી આશા
રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના અવિરત પ્રયાસોથી અંગદાનમાં નવો માઇલસ્ટોન : ૮૪૯ અંગો અને ૨૫૭ પેશીઓ સાથે કુલ ૧૧૦૬ દાન પ્રાપ્ત
દુ:ખની કપરી ઘડીમાં પણ માનવતાની જ્યોત પ્રજ્વલિત રાખીને અમદાવાદના શાહીબાગના રહેવાસી સ્વ. પંકજભાઈ પરમારના પરિવારજનોએ તેમની બે આંખો અને ચામડી(સ્કીન)નું દાન કરીને સંવેદનશીલતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્ય સરકાર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાન પ્રત્યેના ઉમદા કાર્ય તથા અવિરત પ્રયાસોના પરિણામે સિવિલ હોસ્પિટલની રોટરી સ્કીન બેંકને આ દાન સાથે ૫૧મું સ્કીન દાન પ્રાપ્ત થયું છે. આ સાથે મળેલી બે આંખોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવી આશા અને પ્રકાશ ફેલાવવામાં મદદ મળશે.
આ અંગે વિગતો આપતાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જાેષીએ જણાવ્યું હતું કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય પંકજભાઈ પરમારનું સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આઈસીયુમાં સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું હતું. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર ભાવેશભાઈ પરમારે પરિવારજનોને સ્કીન અને આંખોના દાનનું મહત્ત્વ સમજાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
મૃતકના ભાઈ વિક્રમભાઈ પરમારે સંમતિ આપતાં ૧ ઓક્ટોબરના રોજ પંકજભાઈની બે આંખો અને ચામડીનું દાન સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પંકજભાઈના પરિવારજનોએ વ્યક્તિગત દુ:ખને માનવસેવામાં પરિવર્તિત કરીને સમાજને પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે કે માનવજીવનની અંતિમ ક્ષણો પછી પણ કોઈનું દાન અન્ય વ્યક્તિ માટે આશાનું કિરણ બની શકે છે.
અંગદાન અને પેશીદાનને માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ ગણાવતા ડૉ. રાકેશ જાેષીએ ઉમેર્યું હતું કે, “આંખોના દાનથી દૃષ્ટિ ગુમાવનારા જરૂરિયાતમંદ દર્દીઓને ફરીથી દુનિયાને જાેવાની તક મળી શકે છે, જ્યારે સ્કીનનું દાન ગંભીર દાઝેલા દર્દીઓની સારવારમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. સ્કીન દાનથી દાઝેલા દર્દીઓના ઘાને સુરક્ષિત રાખવામાં, ચેપનું જાેખમ ઘટાડવામાં અને ઘા રૂઝાવવાની પ્રક્રિયામાં મદદ મળે છે. સિવિલ હોસ્પિટલ અંગદાન અને પેશીદાન અંગે જનજાગૃતિ ફેલાવવા સતત પ્રયત્નશીલ છે.”
સ્કીન દાનનું તબીબી મહત્ત્વ સમજાવતાં સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ જણાવ્યું હતું કે, “ગંભીર રીતે દાઝેલા દર્દીઓની સારવારમાં માનવ ચામડીનું દાન અત્યંત ઉપયોગી અને જીવનરક્ષક છે. આવા દર્દીઓમાં ચામડીના મોટા ભાગને નુકસાન થયું હોય ત્યારે દાનમાં મળેલી ચામડીનો ઉપયોગ ઘાને અસ્થાયી આવરણ પૂરું પાડવા માટે થઈ શકે છે. તે શરીરમાંથી પ્રવાહીનું વધુ પડતું નુકસાન ઘટાડવામાં, ચેપ સામે રક્ષણ પૂરું પાડવામાં અને ઘાને રૂઝાવવાની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. યોગ્ય દર્દીમાં અને તબીબી જરૂરિયાત મુજબ સ્કીનનો ઉપયોગ સારવારનો મહત્ત્વપૂર્ણ ભાગ બની શકે છે, જેથી આ અંગે લોકોમાં જાગૃતિ વધે અને વધુ પરિવારો આગળ આવે તે જરૂરી છે.”
સરકાર અને સિવિલ હોસ્પિટલ તંત્રના સુનિશ્ચિત આયોજન અને જનજાગૃતિના પરિણામે અંગદાન ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૦૬ આંખો તેમજ ૫૧ સ્કીનનું દાન મળી કુલ ૨૫૭ પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૮૪૯ અંગો મળી અત્યાર સુધી કુલ ૧૧૦૬ અંગો તેમજ પેશીઓનું દાન મેળવવામાં સફળતા સાંપડી છે.
ત્વચાદાન માટે ઈચ્છુક પરિવારો અને નાગરિકો સિવિલ હોસ્પિટલ અમદાવાદ–સ્કીન બેંકનો ૯૪૨૮૨૬૫૮૭૫ પર સંપર્ક કરી શકે છે.

