Gujarat

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે યોજ્યો જનસંપર્ક કાર્યક્રમ

નાગરિકોના પ્રશ્નો- રજૂઆતો સાંભળી સ્થળ પર જ ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ

પ્રશ્નો-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ મેળવનાર અરજદારોએ નાયબ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજરોજ સુરત સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજીને સુરત શહેર-જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. પ્રશાસનને વધુ જવાબદેહી બનાવવા, સરકાર અને તંત્રને લોકોની વધુ નજીક લાવવા અને સામાન્ય જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાના ઉદ્દેશ્ય સાથે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત દિવસોમાં પોતાના પ્રશ્નો-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ મેળવનાર અરજદારોએ આજે નાયબ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ જનસંપર્ક દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉત્સાહપૂર્વક એક પછી એક નાગરિકો અને અરજદારોને મળી તેમની વ્યક્તિગત મુશ્કેલીઓ, સ્થાનિક પ્રશાસન લગતા પ્રશ્નો તેમજ વિકાસલક્ષી રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે માટે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક સૂચનાઓ આપી સત્વરે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

સરકારની પ્રજાલક્ષી અને પારદર્શક કામગીરીના ભાગરૂપે યોજાયેલા આ જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરતવાસીઓએ નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના પ્રશ્નો મુક્તપણે રજૂ કર્યા હતા અને સરકાર દ્વારા તેમના પ્રશ્નોને અગ્રતા આપી સકારાત્મક અભિગમ દાખવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીના જનલક્ષી અભિગમથી નાગરિકોમાં સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.